Tuesday, 2 March 2010

તું

મુલાકાતનો એ નિયત દિવસ, ને વિચારોના વમળમાં ઘેરાયું છે મન,
છુપાવવા એને નાહક પ્રયત્નો કરતી તું,
કદીક હસતી ને કદીક કોણ જાણે શું કરતી તું...

એ આવશે તો શું કહીશ, શું કરીશ, મૂંઝવણમાં ને વિમાસણમાં,
અનેક યોજનાઓ ઘડતી ને તોડતી, તોડતી ને ઘડતી તું,
ને તોય એ જલ્દી આવે એ અવિરતપણે ઝંખતી તું...

એ સુંદર નમણી કાયા તારી, સજી છે સોળે શૃંગારથી આજે,
ને તોય ‘શું બસ છે આટલું?’ વારંવાર પોતાને પૂછ્યા કરતી તું,
ને આંખોને ખૂણે આવતાં-જતાં, આરસી નિહાળી લેતી તું...

ઉંબરે ઊભી રહું, ઘરમાં બેસું કે ફોન કરી કેટલેક પહોંચ્યા પૂછી લઉં,
‘મારે માટે શું લાવશે?’ અપેક્ષાઓ કરતી તું,
ને છેવટે ‘મારે તો એ આવે એટલે બસ છે,’ કહી મનને સંતોષતી તું...

ઘડીઓ પૂરી થઈ છે વિરહની હવે, જો આવી ગયા છે વાલમ તારા,
પ્રેમના ઘોડાપૂરમાં યોજનાઓને વહેવડાવી દેતી તું,
કરવા દો પ્રીત મને માઝા મૂકી, મારા વિરહની વેદના શું જાણે તું...

Thursday, 10 December 2009

તહેવારોની ઉજવણી તથા અન્ય વિષયો પર શ્રી કાન્તિભાઈને

આદરણીય કાન્તિભાઈ,

હું છેલ્લા કેટલાક મહિનાઓથી તમારા લેખ વાંચી રહ્યો છું. ઘણાં સમયથી મારી ઈચ્છા હતી કે તમારા લેખના વિષયો પર ક્યારેક વિસ્તૃત રીતે ચર્ચા કરી શકાય, પરંતુ મારી અનેક મર્યાદાઓને કારણે તે શક્ય બની શક્યું નહિ. તેમ છતાં દિવ્ય ભાસ્કરમાં પ્રગટ થતી તમારી કોલમ આસપાસ માં તારીખ 22.10.09 ના રોજનો લેખ કે જેનું શીર્ષક 'જિંદગી સૂકી હોય તો આપણાં તહેવારો તેને લીલીછમ બનાવે છે' વાંચ્યા બાદ હું પોતાની જાતને રોકી શક્યો નહિ.

હું સારી રીતે જાણું છું કે મારા આ પ્રતિભાવની દરકાર છાપાવાળાઓ મોટાભાગે કરશે નહિ, અને અંતે તે કચરાપેટીમાં પોતાની નિયતિને પામશે. આવું પરિણામ ફક્ત આપણાં પ્રકાશનના માધ્યમોની સંકુચિતતાને ફરીને એકવાર પ્રદર્શિત કરશે. તેથી આ પરિણામ મારા પ્રતિભાવ પર કોઈ અસર કરનાર નથી.

ઉપરોક્ત ટાંકેલ લેખમાં તમે જણાવો છો કે જ્યારે આપણે આપણાં તહેવારો આનંદ અને ઉત્સવપૂર્વક મનાવીએ છીએ, પશ્રિમના દેશો પાસે આવું કંઈ જ નથી. તમારા પોતાના શબ્દોમાં કહીએ તો, 'આપણે ત્યાં દશેરામાં ગરમ ગરમ જલેબી ખવાય, આપણે ક્રિસમસની વાસી બાજારુ કેક ખાતા નથી,' તથા પશ્રિમના લોકો 'માત્ર માત્ર ક્રિસમસમાં દારૂ પીને છાકટા થાય છે.' તમારા મુજબ આ કારણસર પશ્રિમના લોકો પોતાના તહેવારોનો એટલો આનંદ ઉઠાવી શકતા નથી જેટલો આનંદ આપણે અહીં આપણા તહેવારોમાં કરીએ છીએ. મારા માનવા મુજબ આ વધુ પડતી સરળ દલીલ છે, જે મને 'દિવાળીના મારા યાદગાર પ્રસંગો' વિષચ પર નિબંધ લખતા બાળકની યાદ અપાવે છે. ગરમાગરમ જલેબી અને વાસી કેકના પાયા પર આટલી મોટી દલીલ કરવી તે ખરેખર રમુજી છે. ક્રિસમસમાં પીવાતા દારૂની વાતને આગળ કરી તમે જનમાષ્ટમીમાં ચાલતા જુગાર અને શિવરાત્રીમાં પિવાતી ભાંગની કાં તો સંપૂર્ણ અવગણના કરો છો અથવા તો બહુ જ સુલભતાથી તેને પરવાનો આપી દો છો. દિવાળી, જનમાષ્ટમી, હોળી તથા શિવરાત્રી દરમિયાન હોસ્પિટલમાં મુલાકાત લેતા કદાચ તમને આપણા પોતાના ભાઈઓના છાકટા બનીને કરેલા પરાક્રમોનો ખ્યાલ આવે. તમે ભૂલી જતાં લાગો છો કે ઘોંઘાટ, ઉપદ્રવ અને ઉછાંછળાપણું આજે આપણાં મોટાભાગના તહેવારોની ઉજવણીના લક્ષણો છે. સાર્વજનિક વ્યવસ્થાને હાનિ પહોંચાડનાર અને દર બીજા દિવસે નીકળતા જૂલુસ અને ધાર્મિક યાત્રાઓની ધર્મના નામે પરોણાગત કરવામાં આવે છે. દર વર્ષે અનેક મૂર્તિઓને નદીઓ અને સમુદ્રમાં પધરાવી તેમને સતત પ્રદૂષિત કરવામાં આવે છે. જાહેર માર્ગ પર ફટાકડાં ફોડતાં આપણાં બાળકો પસાર થતાં અનેક લોકોને ઈજા પહોંચાડે છે. ઉત્તરાયણની મોસમમાં કેટલાય બાળકો ધાબાં પરથી પડીને કે કપાયેલી પતંગને લૂંટતા અકસ્માતે મોતને ભેટે છે. પતંગની દોરીથી ઘણાં નિર્દોષ વાહનચાલકો અને અસંખ્ય પક્ષીઓ દર વર્ષે મૃત્યુ પામે છે કે ગંભીર રીતે ઘવાય છે. પ્રત્યેક વર્ષે નવરાત્રિ પછીનાં દિવસોમાં ગર્ભપાતનું પ્રમાણ અનેકગણું વધી જાય છે. જ્યારે આપણે આટલી બધી સમસ્યાઓથી ઘેરાયેલ છીએ ત્યારે તમે ગરમ જલેબી અને વાસી કેકના પાયા પર દલીલ કરો એ ઘણું અજુગતું અને દુઃખદ છે.

તમે પોતાના લેખમાં એ પણ દલીલ કરો છો કે અમેરિકનો આજે ધનભૂખ્યા થયા છે, પણ લક્ષ્મીની તેમને કોઈ કિંમત નથી. કદાચ તેમનાથી વધુ નહિ પરંતુ તેમને પડકાર ફેંકી શકાય એટલા ભૌતિકવાદી તો આપણે પણ છીએ જ. ભારતમાં અને વિદેશમાં રહેતા આપણાં દેસી ભાઇઓના એશોઆરામથી ભરેલાં વિલાસી જીવનો અને ઉડાઉ લગ્નપ્રસંગો પશ્ચિમી લોકોને પણ શરમાવે તેવા હોય છે. ભારતીય અને તેમાંય ખાસ કરીને આપણાં ગુજરાતી યુવાનોમાં વિદેશ જઈ સ્થાયી થવાની ઘેલછાં વિશે વિગતવાર ચર્ચા કરવાની જરૂરત મને લાગતી નથી. આ માટે તેઓ કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર હોય છે, જેમાં ઘણાં ગેરકાયદેસર રસ્તાઓનો પણ સહારો લેવામાં આવે છે. નવાં સંબંધો અને નવી પત્નીઓ તાત્કાલિક ઊભી કરવામાં આવે છે. આપણો દેશ સૌથી વધુ ભ્રષ્ટાચારી દેશોમાં આગળપડતું સ્થાન ધરાવે છે. આવા સમયે આપણું લક્ષ્મીદેવી પ્રત્યેનું માન ક્યાં જતું રહે છે તે મને સમજાતું નથી. કમસે કમ પશ્ચિમી દેશો લક્ષ્મીદેવીમાં માનતા નથી, આપણે તો તેમનામાં માનવા છતાંય આપણી અનૈતિક કુટેવો દ્નારા તેમના આદર અને માન તેમનાંથી છીનવી લીધાં છે. ચોપડાં પૂજવાને બદલે ચોપડામાં પ્રામાણિકતાથી આંકડા લખવામાં આવે તો પ્રભુ ખરેખર પ્રસન્ન થશે.

આ બધું મને એ નિષ્કર્ષ પર દોરી જતું લાગે છે કે તમારી આ બધી બાબતોની અવગણના એ ઈરાદાપૂર્વકની છે. તમારા મોટાભાગના લેખની જેમ જ, આ લેખમાં પણ તમે એ જ દલીલ કરતા હોય કે પશ્ચિમી લોકો કરતાં આપણે વધુ સારા છીએ, એવું મને લાગે છે. પોતાના આ સિધ્ધાંતને સાબિત કરવા માટે તમારે એ જ ભૌતિકવાદી, અનૈતિક અને ઢોંગી પશ્ચિમી સંસ્કૃતિનો સહારો લેવો પડે છે એ કદાચ તમારું કમનસીબ છે. પોતાની સંસ્કૃતિની મહાનતા એ બીજી સંસ્કૃતિની સાથે સરખામણીમાં નહિ, પરંતુ માનવતા અને નૈતિકતાના મૂલ્યોને જાળવવામાં આપણે કેટલી હદે સફળ થયા છીએ તેને આધારે થવી જોઈએ. ચોર પોતાની સરખામણી ખૂની સાથે કરી ખુશ ન થઈ શકે. મારા માનવા મુજબ આ બહુ ચગાવી કાઢેલી અમારી સંસ્કૃતિ સૌથી સારી એ આપણી ધારણા ભ્રમિક છે. આ ધારણાએ આપણી અંતર-દ્રષ્ટિને આંધળી કરી દીધી છે. મને ડર છે કે આપણું આ આંધળાપણું અંતે આપણને જ એક ઢોંગી દેશ બનાવી દેશે, અને જેનો આક્ષેપ અત્યારે તમે પશ્ચિમના દેશો પર મૂકી રહ્યા છો, તે અવસ્થામાં આપણે પોતે જ સરકી પડીશું.

સારાંશમાં આ બધા વિચારોની ઉશ્કેરણી કરવા બદલ હું તમારો સહર્ષ આભાર માનું છું. હું દ્રઢતાપૂર્વક માનું છું કે ગુજરાતી તરીકે મારો જન્મ એ પરમ કૃપાળુ પરમાત્માની ઈચ્છાને અનુસાર છે. તેથી જ્યારે ગુજરાતી હોવાનો મને ગર્વ છે, મારી આસપાસ થતા અનિષ્ટોની અવગણના કરી ખોટા ઐશ્વર્યમાં હું રાચવા માંગતો નથી. આવા ભ્રમિક ગર્વ કરતાં સત્યના આધાર પર ગુજરાત અને ભારતને ઊંચાઈઓ સુધી લઈ જવામાં મારાથી બનતા તમામ પ્રયત્નો કરવાની કટિબધ્ધતાને વધુ મહત્વ આપવાનું હું પસંદ કરીશ.

નોંધ: ઉપરોક્ત પ્રત્યુત્તર તા. 24.10.09 ના રોજ ‘દિવ્ય ભાસ્કર’ ના તંત્રીને મોકલેલ, પરંતુ તેનો સ્વીકાર કરવામાં આવ્યો નહોતો.

મારો ગુજરાતી બ્લોગ – ધીરજનાં મીઠા ફળ

ઘણાં દિવસના અથાગ પ્રયત્નો બાદ અંતે ગુજરાતીમાં બ્લોગ બનાવવાના મારા સ્વપ્નને સફળતા મળી છો, (આશિષનો સવિશેષ આભાર). પરમેશ્વરે મનુષ્યને આપેલ બુદ્ધિના પરિણામે વિકસેલ ઈન્ટરનેટ અને બ્લોગિંગથી વિચારોના ઉત્કૃષ્ટ મંથનને આડે આવતી સીમાઓ ઘણી વિસ્તરી ચૂકી છે. મારા આ બ્લોગ દ્વારા એ સીમાઓ વઘુ બૃહદ થાય, વિચારોના મંથનને જગ્યા આપે અને સત્યની શોધને પ્રાધાન્ય મળે એ મારી પરમ કૃપાળુ ઈશ્વરને પ્રાર્થના છે. ઘણાં સમય પહેલાં શ્રી કાન્તિભાઇને લખેલ મારા પત્ર દ્વારા બ્લોગની શરૂઆત કરું છું.